બાળમાનસ એક કૂમળો છોડ
11 વર્ષ પહેલા
વડીલોની જે વાત બાળકોની સામાન્ય સમજમાં ન આવે, તે છોડ-વૃક્ષની મદદથી સહેલાઇથી સમજાવી શકાય છે. લીલાંછમ છોડ બાળકોને તાજગી પ્રદાન કરે છે. બાગકામ પ્રત્યે બાળકોની રુચિ, તેમને આનંદિત અને રચનાત્મક બનાવે છે. બાગકામની નાની નાની સામાન્ય કામગીરી દ્વારા બાળક શું અનુભવે છે, કેવી રીતે શીખે છે અને કઇ રીતે તેને પોતાના જીવનમાં અમલમાં મૂકે છે તે અંગે ચાલો જાણીએ. ભાવનાત્મક વિકાસ બાગકામ બાળકોને સ્વયં સાથે સાંકળે છે. તમે જોજો, ચારથી સાત વર્ષના બાળકો મોટા ભાગે પોતાની જાત સાથે વાતો કરતાં હોય છે. આ રીતે એ પોતાની લાગણી વ્યક્ત કરતાં શીખે છે અને અનુભવે છે. એ છોડની સંભાળ રાખે છે, થોડા થોડા સમયે પાણી રેડવા સાથે ખાતર નાખે છે. આ પ્રક્રિયા એને માતાપિતા પોતાનો જે રીતે ઉછેર કરે છે, એવી જ લાગે છે. બાળકમાં એ સમજણ વિકસે છે કે જે રીતે આ છોડ માટે પાણી અને ખાતર જરૂરી છે, તે રીતે મારા વિકાસ માટે પણ ખાવું-પીવું જરૂરી છે. માતાપિતાની માફક બાળકો પણ શેરિંગ અને કેરિંગની પ્રવૃત્તિને અપનાવતાં શીખે છે. ધીરજ રાખતાં શીખશે આજના બાળકોને ‘રાહ જો’, ‘નથી કરવું’, ‘નથી જવું’, જેવા શબ્દો સાંભળવાનું ગમતું નથી. બાગકામ એમનામાં આ સમજણ વિકસાવે છે. બી રોપીને તેમાંથી અંકુર ફૂટયા પછી છોડ બનવામાં ઘણો સમય લાગે છે. આ દરમિયાન બાળક એ બીની સંભાળ રાખવાની સાથે તેમાં પાણી અને ખાતર નાખે છે, તે પછી એક છોડ ઉછરે છે. આ પ્રક્રિયા એનામાં ધીરજનો વિકાસ કરે છે. જેના લીધે બાળકમાં જુદી જુદી પરિસ્થિતિમાં શાંત ચિત્તે કામ કરવાની પ્રેરણા મળે છે. જવાબદારીનો ગુણ બાળકને બાગકામ કરવામાં સહભાગી બનાવવાથી એનામાં જવાબદારીની ભાવના વિકસે છે. એક છોડ રોપ્યા પછી એ તેની સંભાળ રાખવી, તેને વધારે પડતા તડકા કે વરસાદથી બચાવે છે. આ અનુભવો પરથી તેમને લાગે છે કે પોતે આ કામ કર્યું, પોતે આ કામ કરી શકે છે. આના લીધે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સ્ટ્રેસ નહીં ઉદ્ભવે ભલે આપણે ન માનીએ, બાળકો પણ સ્ટ્રેસ અનુભવતાં હોય છે. શિયાળા-ચોમાસામાં સ્કૂલે જવાનું, સારા માકર્સ લાવવાના, વધારે પડતું રમવાનું નહીં વગેરે બાબતોથી તેઓ સ્ટ્રેસ અનુભવી છે. બાગકામની કામગીરી તેમને સ્ટ્રેસમુકત રાખવામાં મદદરૂપ નીવડે છે. છોડ પ્રત્યે બાળકને આત્મીયતા ઉત્પન્ન થાય છે. તે તેમને તાજગી અને કાયમ પ્રગતિ સાધવામાં પ્રેરણા પૂરી પાડે છે. નિષ્ણાતોનો મત ચૂપચાપ રહેનારા અને બીજા સાથે હળવામળવાનું ન ગમતું હોય તેવા અંતર્મુખી બાળકોને બાગકામ કરવાની સલાહ આપે છે. આવા બાળકોને ઝડપથી ઉછરે એવા છોડ જેમ કે, વરિયાળી, ટામેટા વગેરે રોપવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે બાળક પોતે રોપેલા છોડને ઉછરતો જુએ છે, ત્યારે એને સારું લાગે છે. માનસિક રીતે નબળા અથવા મનોરોગી બાળકો માટે પણ બાગકામ કેટલીક વાર દવાનું કામ કરે છે. આના દ્વારા બાળકને પ્રોત્સાહન તો પ્રાપ્ત થાય છે. તદુપરાંત, તેમને કંઇ કામ કર્યાનો આનંદ પણ થાય છે. માતાપિતા માટે ઘણા માતાપિતાની ફરિયાદ હોય છે કે બાળક ખૂબ તોફાની છે, ઘરમાં કાયમ તોડફોડ કરે છે વગેરે. આવા માતાપિતાએ પોતાના બાળકને સાચંુ માર્ગદર્શન આપવાની જરૂર છે. બાળકની શક્તિ અને રુચિને બાગકામ સાથે સાંકળો. આ ટેવ બાળકને રચનાત્મક બનાવશે. બાળકો પર બાગકામની અસર એક શોધ પરથી સ્પષ્ટ થયું છે કે બાગકામ કરનારા બાળકો ખુશ રહે છે અને વિકાસ પ્રક્રિયા પર હકારાત્મક અસર થાય છે. રોયલ હોર્ટિકલ્ચર સોસાયટી દ્વારા કરવામાં આવેલ આ શોધમાં ૧૩૦૦ શિક્ષકો અને દસ શાળાઓને સામેલ કરવામાં આવ્યાં. પરિણામમાં જોવા મળ્યું કે જે વિદ્યાર્થીઓને બાગકામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં, તેઓ વધારે સ્ફૂર્તિલાં, આત્મવિશ્વાસુ અને અન્ય બાળકોથી સ્વસ્થ હતાં. હોર્ટિકલ્ચર સોસાયટીનું સૂચન હતું કે બાગકામની પ્રવૃત્તિ અભ્યાસક્રમમાં પણ સામેલ કરવી જોઇએ. આરએચ સોસાયટીમાં સાયન્સ એન્ડ લર્નિંગના નિદેશકના મતે, બાગકામની મદદથી ભણાવવાથી રચનાત્મકતા અને પ્રભાવશાળી પરિણામ મળે છે.
સૌજન્ય: ડો. રીના રાજપૂત
No comments:
Post a Comment